Thursday, March 31, 2016

નિકોલસ કોપરનિક્સ - ખગોળશાસ્ત્રમાં પ્રથમ પગલું



■ નિકોલસ કોપરનિકસ ■
- આજે આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે ઘણું જાણીએ છીએ. અવકાશ વિજ્ઞાનઓએ અંતરિક્ષનો અભ્યાસ કરીને ઘણા રહસ્યો ખોલી નાખ્યા છે. પરંતુ પુરાતન કાળમાં માણસને પૃથ્વી કે સૂર્ય ચંદ્ર વિશે કશી જ જાણકારી નહોતી.તે સમયે સૂર્ય અને ચંદ્ર દેવ ગણાતા તેમની પૂજા થતી. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ચંદ્ર તેની આસપાસ ફરે છે તેવી માન્યતા હતી. તે જમાનામાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વગેરેનો અભ્યાસ પણ થતો. સંશોધનના સાધનો પણ પૂરતાં નહોતા.તેમ છતાં કલ્પના અને ગણતરી વડે ઘણા સંશોધનો થતાં. ધર્મશાસ્ત્રીઓ પણ ઉચ્ચ કક્ષાના વિજ્ઞાાનીઓ હતા.

તેવા જમાનામાં નિકોલસ કોપરનિકસ નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે. આ શોધ પછી ખગોળશાસ્ત્રને નવી દિશા મળી અને વધુ સંશોધનો થવા લાગ્યા. નિકોલસ કોપરનિકસનો જન્મ ઇ.સ.૧૪૭૩ માં પોલેન્ડના એક સમૃદ્ધ નગર તોરૃનમાં થયો હતો. તેના પિતા ન્યાયાધિશ હતા. સુખી અને સમૃદ્ધ પરિવારમાં જન્મેલા નિકોલસના પિતા તેની બાળવયમાં જ અવસાન પામેલા. નિકોલસનો ઉછેર તેના પાદરી મામાને ત્યાં થયો હતો. એટલે બાળવયથી જ તે ધાર્મિક વૃત્તિનો હતો. યુવાન થતા જ નિકોલસ પોલેન્ડની ક્રેકો યુનિવર્સિટીમાં જોડાયો હતો. તે સમયમાં વહાણવટાનો ઉદ્યોગ વિકાસ પામેલો. સાહસિકો લાંબી દરિયાઇ સફર કરતા. તેમને ભૂગોળ અને અવકાશના જ્ઞાાનની જરૃર હતી. નિકોલસે કાયદાનો અભ્યાસ કરેલો. તેના ધાર્મિક સ્વભાવને કારણે તેને લોકોની સેવા અને ધર્મપ્રચાર કરવાની ઇચ્છા હતી. ગરીબ દર્દીઓની સેવા કરવા તેણે તબીબી અભ્યાસ પણ કર્યો.

૧૫મી સદી સુધી લોકોમાં પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તેની આસપાસ ફરીને ઉગે અને આથમે છે તેવી દૃઢ માન્યતા હતી. આ માન્યતાની વિરુદ્ધ બોલનારને લોકો અધર્મી કહીને વખોડતાં. ધર્મપ્રચાર અને લોકોની સેવા કરવામાંથી સમય મળે ત્યારે નિકોલસ અવકાશનો અભ્યાસ કરતો. તેની પાસે કોઇ સાધન કે પ્રયોગશાળા નહોતી પરંતુ જુદાજુદા ખગોળશાસ્ત્રીઓના તારણોની ગણતરી કરીને તેણે શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. નિકોલસ પોતાની આ શોધ જાહેર કરવાની હિંમત કરી શક્યો નહી. પોતે ધર્મગુરુ હતો એટલે આવી ધર્મ વિરુદ્ધ વાત લોકોને કઇ રીતે કહેવી તેની મુંઝવણમાં તે હતો. તે વૃદ્ધ થયો ત્યાં સુધી આ વાત જાહેર થઇ નહી.

પરંતુ વિતેનબર્ગ યુનિવર્સિટીમાં એક પ્રોફેસર રેટીકસે નિકોલસે કરેલા સંશોધનનો ઉંડો અભ્યાસ કરીને આ શોધ પ્રસિદ્ધ કરવાની હિંમત કરી. તેણે નિકોલસના સંશોધનોને 'રીવોલ્યુશન સેલેશિયા' નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કર્યો. આ ગ્રંથ પ્રસિદ્ધ થયા પછી લોકોએ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તે વાત સ્વીકારી. આ મહાન સત્ય જગત સામે પ્રસિદ્ધ થયું ત્યારે નિકોલસ વૃદ્ધ અને અશક્ત હતો. તેના ફેંફસા અને હૃદય નબળા પડી ગયા હતા. જગત સમક્ષ એક મહાન સત્ય રજૂ કરીને તરત જ તેનું અવસાન થયું હતુ.

No comments: